સ્માર્ટ કિચન ટિપ્સ: જે તમારી રસોઈને બનાવશે વધારે સ્વાદિષ્ટ અને જાણો અન્ય ઉપયોગી કિચન ટીપ્સ.

kitchen

દરેક વ્યક્તિની રસોઈનો સ્વાદ અલગ જ હોય છે. એકસરખી જ વાનગી બનાવતા હોવા છતાં કેટલાક લોકોના હાથમાં જાદુ છે એવા કોમ્પ્લીમેન્ટ મળતા હોય છે. રસોઈ બનાવવી એ બહુ મોટી વાત નથી એવું કેટલાક લોકો કહેતા હોય છે. એ વાત અમુક અંશે સાચી પણ છે. પણ સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ તો એક કળા જ છે અને આ કળા વિકસે છે નાની નાની કિચન ટિપ્સથી. જે તમારી રસોઈને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે. તો નોંધી લો આ કિચન ટિપ્સ અને કરી તમારી રસોઈમાં જાદુ.

-કારેલાને ચીરી મીઠુ લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે
-બટેટાની છાલ કાઢી તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયગો કરવાથી દમ આલુ સારા બનશે
-સુકા આદુની છાલ ઉતારવી હોઈ તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.
-લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે
-ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં 4-5 લવિંગ રાખવા
-તવીમાંથી ડુંગળીની સુગંધ કાઢવા માટે કાચુ બટાટુ કાપીને તેને તવી પર ઘસી લેવું
-રોટલીના લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.
-ભીંડા બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં નાંખવાથી ભીંડા ચોંટશે નહી.
-કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોય તો લીલી મેથીના પાનને થોડીવાર પેન પર ગરમ કરી. તેને ઠંડી કરીને પછી ઉપયોગમાં લઈ શકાય.
-ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી ઉમેરવાથી ઢોકળા પોચા બનશે.
-કોથમીર તાજી રાખવા તેના મુળીયા પાણીના ગ્લાસમાં બોળીને રાખવાથી તાજી રહેશે
-સાંભારની દાળ બનાવવી હોય તો તુવેરનીદાળ અને ચણાની દાળ સાથે મીઠુ અને હળદર ઉમેરીને તેને બાફી લેવી.
-અથાણું બનાવતી વખતે તેલ ગરમ કરીને નાંખવુ
-બેસન/ચણાના લોટના ઢોકળા બનાવતી વખતે ફ્રુટ સોલ્ટ (ઈનો)નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે.
-કેકમાં ડ્રાયફ્રુટ્સ નાંખતા પહેલા તેને મેંદામાં રગદોળીને ઉમેરવાથી તે કેકમાં ચોંટી નહીં જાય. તે અલગ જ રહેશે.
-લીંબુ સુકાઈ ગયા હોય કે બહુ કઠણ/સખત થઈ ગયા હોય તો તેને ગરમ પાણીમાં રાખવાથી તેમાં ખુબ સરળતાથી રસ નીકળી શકે છે.
-મહિનામાં એકવખત મિક્સર-ગ્રાઈન્ડરમાં મીઠુ નાંખીને તેને ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે
-નુડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડુ પાણી નાખવામાં આવે તો નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં
-નુડલ્સને બાફતી વખતે તેમાં 2 ચમચી તેલ ઉમેરવાથી નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં
-પનીરને બ્લોટીંગ પેપરમાં વીંટાળીને ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય તાજા રહેશે.
-મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠુ નાંખી થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઈ જશે.
-એક ચમચી ખાંડને કથ્થાઈ કલરની થાય ત્યાં સુધી પેનમાં ગરમ કરી અને પછી કેકના મિશ્રણમાં ભેળવવાથી કેકનો રંગ સારો આવશે.
-બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસુરી મેથી નાંખવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે.
-ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઈ જાય છે. તે ન થવા દેવું હોય તો ફ્લાવરના શાકમાં એક ચમચી દુધ અથવા વિનેગર નાંખવાથી તમે જોઈ શકશો કે ફ્લાવરનો મુળ રંગ જળવાઈ રહે છે.
-રોટલી કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડુ દુધ ઉમેરવાથી રોટલી અને પરોઠાના સ્વાદમાં વધારો થશે.
-લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે
-ઘરે રૂમાલી રોટી બનાવવા રોટલીને ખુબ પાતળી વણવી અને કડાઈને ઉલટી મુકી ગરમ કરી તેના પર રોટલીને શેકવી
-મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પુડલા બનાવવાથી તે કરકરા બનશે.
-ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડુ દહીં નાંખીને તેજ તાપે રાંધવા
-દેશી ઘીને લાંબો સમય સુધી તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો 1-1 ટુકડો નાંખવો
-શાક અથવા દાળમાં મીઠુ વધુ પડી ગયુ હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.
-વડા બનાવતી વખતે ખીરૂ પાતળુ થઈ ગયુ હોય અને તળવામાં તકલીફ પડતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરી દેવું
-બટાટાની સુકીભાજી કે રસાવાળુ શાક બનાવી રહ્યા છો તો તેમાં મોટી ઈલાયચી નાંખી દો નવો જ ટેસ્ટ આવશે.
-શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો તેલના છાંટા ઓછા ઉડશે.
-કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભુક્કો તેમાં મિક્સ કરી દો. તેનાથી શાક ઘટ્ટ તો થશે જ. સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

વર્કિંગ વુમન માટે સ્માર્ટ કિચન ટિપ્સ, જે રસોઈને બનાવશે આસાન

આપણે એ નકારી ન શકીએ કે નારીનું જીવન ઉન્નતિના પથ પર છે. આપણી પાસે અનેક ઉદાહરણો છે જે નારીશક્તિને ઉજાગર કરે છે. વિવિધ ક્ષેત્રમાં તેણે પોતાનો ડંકો વગાડી દિધો છે. તેમ છતાં આમાંની મોટાભાગની નારીઓ અને તે સિવાયની કરોડો નારીઓ કિચન પર તો પોતાનો અબાધિત અધિકાર છોડવા માંગતી નથી. વર્કિંગ વુમન હોવા છતાં તે પરિવાર માટે રસોઈ કરવામાં ગૌરવ અનુભવે છે. જો કે કામની સાથે સાથે કિચન સંભાળવું તેના માટે થોડુ મુશ્કેલ છે. તેની મુશ્કેલીને હલ કરવા અહીં કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ.

-અઠવાડિયાનું મેનું બનાવીને તે અનુસાર રજાના દિવસે જ ખરીદી કરી લેવી. તેના માટે તમે શનિવારની સાંજને પસંદ કરી શકો છો. જેથી ખરીદી માટે પુરતો સમય ફાળવી શકો. રવિવારનો દિવસ તમે પરિવારને ફાળવી શકો અને આખુ વિક ટેન્શન ફ્રી.

-કિચન કાઉન્ટર ખાલી રાખો. તેના કારણે રસોઈ બનાવવામાં સરળતા રહેશે. શક્ય તેટલા ઓછા ગેજેટ્સ ત્યાં રાખો. સવારના સમયે જલદીમાં સેન્ડવીચ, લંચ કે બ્રેકફાસ્ટ બનાવવા ઉતાવળ કરવી પડે છે. તે સમયે ફટાફટ કામ પતાવો. પછી સાફસફાઈ કરી દો. જેથી એના પછી રસોઈ કરવા જાવ તો કોઈ ટેન્શન ન રહે.

-કિચનની સામગ્રી ભરવા માટે પારદર્શક ડબ્બા રાખો. જેથી કઈ વસ્તુ કેટલી ઘરમાં ભરેલી છે તે ધ્યાનમાં રહે અને શોપિંગ લિસ્ટ બનાવવામાં સરળતા રહે. દરવખતે ડબ્બા ચેક કરવાની જરૂર ન રહે.

-કેબિનેટમાં એક જગ્યા અલગ રાખો જ્યાં વોટરબોટલ, જિપલોક બેગ, ફોઈલ વગેરે મુકો. જેથી સવારના સમયે ટિફિન ભરતી સમયે ડબ્બા શોધવામાં ટાઈમવેસ્ટ ન થાય.

-કિચન કેબિનેટની એક શેલ્ફ પર બ્રેકફાસ્ટ માટેની સામગ્રી જ રાખો. જેમ કે સિરિયલ્સ, બ્રાઉન સુગર, જેમ, પીનટ બટર, ટી બેગ, મિલ્ક પોટ, શુગર પોટ વગેરે રાખો. તેની સાથે સિરિયલ્સ બાઉલ પણ રાખી દો. જેથી સવારના નાસ્તાનું ટેન્શન ખતમ

-ફ્રિજને ખુબ જ કાર્યકુશળતાથી ગોઠવો. નક્કી કરેલી જગ્યાએ જ દુધ, દહીં, ચીઝ, બટર, શાકભાજી ગોઠવો. સાથે જ ફ્રિજના ડોર પર એક લિસ્ટ ચીપકાવી રાખો. જે વસ્તુઓ ખતમ થવાની અણી પર હોય તે તેમાં નોંધી લો. જેથી છેલ્લી મિનીટે વસ્તુ નથી તે ખબર પડે.

-ફ્રિજમાં રાંધેલી વસ્તુઓ મુકો તો તેને ક્લિંગ ફિલ્મ કે ફોઈલમાં પેક કરીને જ મુકો.

-રજાના દિવસે શાકભાજીને સમારી બેગમાં પેક કરી લો. લસણ ફોલીને થોડું મીઠુ ભભરાવી એરટાઈટ કન્ટેનરમાં મુકી રાખો. આદુ-મરચાની પેસ્ટ બનાવી દો. જરૂરી ચટણીઓ પીસીને રાખો. ટમેટાની પ્યુરી કે ગ્રેવી બનાવી લો. આ બધી વસ્તુઓને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો.

-ફ્રિજમાં સેમી ફ્રાઈડ પરાઠા પણ રાખી શકો છો. પીરસતા પહેલા તવા પર ગરમ કરી લેવાના.

-બાળકો પાસે પણ સમજાવટપૂર્વક કામ કરાવી શકો છો. બાળકોને કહો કે ડિનર બાદ જ્યારે તમે કિચન સાફ કરી રહ્યા છો ત્યાં સુધીમાં તે ટેબલ સાફ કરી આપે. એટલું જ નહી ડિનર પહેલા તે ટેબલ સજાવવામાં પણ મદદ કરી શકે છે. તમે ગરમ બાઉલ ટેબલ પર લાવો ત્યાં સુધીમાં અન્ય વસ્તુઓ તે ત્યાં લાવવામાં હેલ્પ કરી શકે છે.

-કિચન સુંદર વસ્તુઓથી વધુ સુંદર અને સ્માર્ટ લાગશે. તેના માટે સિલિકોન બેકિંગ પેન, મફિન મોલ્ડ, સ્પેચ્યુલા, ચાળણી વગેરે વસાવી રાખો. તેને ચમકદારના ખરીદવા વળી તે સરળતાથી સાફ થાય તેવા હોવા જોઈએ.

-શક્ય હોય તો નોનસ્ટીક પોટ, પેનમાં જ ભોજન પકાવો. જેથી સર્વિંગ બાઉલમાં અલગથી કાઢવાની જરૂર નથી. તેને સીધા જ ટેબલ પર ગોઠવી આપો. તે દેખાવમાં તો સારા લાગે જ છે. સાથે સાથે ધોવામાં પણ સરળતા રહે છે.

-નોનસ્ટિક વાસણોમાં ભોજન પકાવવાનો એક ફાયદો એ પણ છે કે તેમાં તેલ ઓછુ વપરાય છે જે પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે.

-ચોપિંગ બોર્ડ, છરી, પીલર અને ગ્રેટરને કાઉન્ટના એક ખુણા પર જ રાખો જેથી તમે બોર્ડ પર રાખીને બધુ જ સમારી શકો. તેનાથી કાઉન્ટર ગંદુ નહીં થાય. કિચન માટે એક નાની ડસ્ટબિન પણ ત્યાં જ વસાવી રાખો. જેથી ગંદકી ન ફેલાય.

-શોપિંગ માટે જાવ તો લિસ્ટ બનાવીને જાવ. જેથી ભોજન માટેની જરૂરી વસ્તુઓ ભુલી ન જવાય. આ ઉપરાંત ટોમેટો પ્યુરી, પોટેટો ફ્લેક્સ, રેડી પેસ્ટ, રેડી મિક્સ્ડ ફ્લોર, ઈન્સ્ટન્ટ ડેઝર્ટ જેવી વસ્તુઓ પણ ખરીદીને રાખો. રેડી ટુ કુકની પણ વિશાળ રેન્જ અવેલેબલ છે. તેમાંથી પણ જરૂર મુજબ પેકેટ્સ ઘરમાં રાખો. જે ઉતાવળના સમયમાં તમારી મદદે આવી શકે.

-સવારમાં ટિફિન બનાવવું તે પણ પડકારરૂપ કામ છે. તેના માટે બ્રાઉન બ્રેડની સેન્ડવીચ ક્લિંગ ફિલ્મમાં પેક કરી દો જે આદર્શ ટિફીન સમાન છે. આ ઉપરાંત પાણી નિતારેલા દહીંમાં કોબીજ અને સફરજન મિક્સ કરી દો. તે સેન્ડવીચ કે રોટલી પર સ્પ્રેડ તરીકે વાપરી શકાય. આ ઉપરાંત મેશ કરેલા પનીર સાથે શાહી જીરા ખુબ જ સ્વાદિષ્ટ સ્પ્રેડ સાબિત થઈ શકે છે. લંચમાં પસંદ અનુસાર સ્ટફ્ડ પરાઠા, વેજિટેબલ ઈડલી, કે રોટલી પર સુકી સબ્જીના રોલ લઈ જઈ શકાય.

– બાળકોને આ બધુ પસંદ ન હોય તો તેને વધેલા શાકમાંથી બ્રાઉન બ્રેડમાંથી સેન્ડવીચ બનાવી આપો કે પનીર ભુર્જીમાંથી સ્ટફ્ડ પરાઠા બનાવી આપો. ભાતમાંથી લેમન રાઈસ બનાવી આપો. બાળકોના ટિફિનને આકર્ષક રીતે સજાવો. રોટલી ફોઈલમાં અડધી ઢાંકેલી રાખો. સેન્ડવીચ ત્રિકોણાકાર અને ટ્રિપલ ડેકર આપવી. ઈડલી ક્વાટરમાં કાપેલી હોવી જોઈએ, પરાઠાને પણ ત્રિકોણાકારમાં કાપીને આપો.

અપનાવો સ્માર્ટ ટિપ્સ અને બનાવો તમારા ટેસ્ટી ફૂડ ફટાફટ

ગૃહિણીઓને રસોઈની સાથે-સાથે તેના સ્વાદ-સુંગધનું પણ ધ્યાન રાખવાનું હોય છે. સ્વાદિષ્ટ રસોઇ બનાવવી અને રસોડાની દરેક વસ્તુની સંભાળ રાખવી તો દરેક ગૃહિણીને ગમતું હોય છે. ઘણી વખતે રસોઈ બનાવતા અન્ય કામ આડા આવી જાય તો રસોઈમાં મીઠુ કે મરચુ કે બીજા મસાલા વધતા-ઓછા પ્રમાણમાં થઈ જાય તો રસોઈનો ટેસ્ટ તરત જ બદલાઈ જાય છે. આવુ દરેક ગૃહિણીઓથી થતુ જ હશે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં આપેલી એકદમ ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ કોઈને ખબર પણ નહીં પડે કે રસોઈનો ટેસ્ટ બગડ્યો હતો કે નહી.

રસાદાર શાકમાં શીંગદાણાનો ભૂક્કો નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે અને તેનો રસો ઘટ્ટ થશે. ઘણી વખત કોઈ શાકમાં પાણી વધારે પડી જાય છે, ત્યારે પ્રશ્ન થાય કે હવે શું કરું? કારણ કે, શાક ચઢી ગયું હોય છે આથી રસાને જો વધારે બાળવા માટે જઈએ તો, શાક વધારે પડતું ચઢી જાય છે. આવા સમયે શાકનો સ્વાદ અને રૂપરંગ જાળવી રાખવા માટે આ રીતે સિંગદાણાનો ભૂકો વાટીને નાખવાથી રસો તો ઘટ્ટ થશે જ સાથે-સાથે સ્વાદ પણ વધી જશે.

ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના દાણા નાખવા. સામાન્ય રીતે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે, રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી ઈડલી ઘરે બનતી નથી. તો આ લોકો ખીરામાં એવું શું નાખતા હશે? તો જવાબ છે કે, મેથીના દાણા, ઈડલી માટેના દાળ-ચોખા પલાળતી વખતે જ તેમાં મેથીના દાણા સાથે જ પલાળી દેવા.

પાલક અને રીંગણનું શાક આપણા ઘરોમાં બનતું જ હોય છે. તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તમે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકો છો. પાલક રીંગણના શાકને વઘારતી વખતે તેલ ગરમ કરો. ત્યાર બાદ થોડી રાઈ અને હિંગ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાર બાદ શાક તમારી રીતે બનાવો. પરંતુ ડુંગળી ઉમેરવાથી શાકનો આખો સ્વાદ જ બદલાઈ જશે.

દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે. દહીંવડા બનાવતી વખતે પણ આપણને એવું લાગે કે યાર હોટલ જેવા સોફ્ટ દહીંવડા બનતા નથી. આથી આટલી કણાકુટ કોણ કરે? આના કરતા બહાર જઈને ખાઈ લઈએ. પણ જો તમે પણ સોફ્ટ બનાવવા માંગતા હોવ તો ચોક્કસથી આવી નાની-નાની ટિપ્સ ચોક્કસથી ટ્રાય કરીને તમારી રસોઈને એક્સપર્ટ જેવી બનાવી દો.

મસાલા પૂરી બનાવતી વખતે લોટમાં થોડું ગરમ ઘી અથવા તેલ મિક્સ કરવાથી પૂરીઓ કરકરી અને સ્વાદિષ્ટ બશે. પૂરીને નરમ અને સાથે ક્રિસ્પી બનાવવા દરેક ગૃહિણી હંમેશા મહેનત કરતી હોય છે. જો તમે પણ આવી પૂરી બનાવવા માંગતા હોવ તો જ્યારે પણ લોટ બાંધો ત્યારે મોણ તરીકે તેલ અથવા ઘી ઉમેરો, પણ ગરમ કરીને. આમ કરવાથી ચોક્કસ તમારી પૂરીનો રૂપરંગ બદલાય જશે.

ઘણીવાર સમોસા કે ઘુઘરા તળતી વખતે ફાટી જતા હોય છે એને ટાળવા સમોસા કે ઘુઘરામાં સોયથી એક બે કાણા પાડી દો. તેનાથી માવો બહાર પણ નહીં આવે કે ફાટશે પણ નહીં. આપણે જ્યારે કોઈ પણ વાનગીને તળિયે ત્યારે તેમાં હવા ભરાઈને તે ફૂલે છે. સમોસા અને ઘૂઘરામાં જો તમે વધારે માવો ભર્યો હશે તો ચોક્કસથી તે ફાટવાની સંભાવના રહે છે. આથી જો તેમાં કાણું પાડેલું હશે તો તેમાં હવા ભરાશે નહીં. અને તમે ધીમા તાપે એકદમ ક્રિસ્પી તળી શકશો.

કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે. ઘણી વખત આપણે બારે મહિનાના ઉપવાસ માટેની વેફર ઘરે કરતા હોઈએ છીએ. આથી જો તમે કેળા કે બટાટાની વેફર બનાવતા હોવ તો ચોક્કસથી તેને ફટકડીના પાણીમાં પલાળીને બનાવવી. આથી વેફર કાળી નહીં પડે. સફેદ અને સોફ્ટ બનશે.

મેથી અને બટાટાનાં પરાઠા બનાવવાનાં હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખો. એનાથી પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે. આપણે રોજ અવનવા પરાઠા બનાવતા હોઈએ છીએ. એમાં મેથી-બટાટાના પરાઠા પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાદિષ્ટ પરાઠાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની જ્યારે કણક બાંધો ત્યારે ચોક્કસથી તેમાં થોડો ચણાનો લોટ ઉમેરવો. જો તમે ઈચ્છો તો થોડો ઘણો શેકીને પણ ઉમેરી શકો છો. આમ કરવાથી કણકની સાથે પરાઠાનો ટેસ્ટ પણ ચોક્કસથી ખુબ જ વધી જશે.

છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે. સામાન્ય રીતે આપણા છોલે ચણા હોટલ જેવા સ્વાદિષ્ટ અને બ્રાઉનિશ બનતી નથી, ખરૂં ને? જો તમે પણ આમ વિચારતા હોવ તો તમારી માટે જ આ ટિપ્સ છે. છોલેને જ્યારે બાફવા માટે મૂકો ત્યારે તેમાં છોલેની ક્વોન્ટિટી પ્રમાણે એક કે બે ટીબેગ મૂકી દેવી. આમ કરવાથી છોલેને બ્રાઉન રંગ અને સ્વાદ પણ આવી જશે. ત્યાર બાદ તેની ગ્રેવી ખુબ જ અગત્યની છે. આના માટે ગ્રેવીનને ઘટ્ટ બનાવવા માટે પલાળેલા છોલેમાંથી બેથી ત્રણ ચમચી કાઢી લેવા, તેને બાફવા નહીં. આ પલાળેલા ચણાને ક્રશ કરીને પેસ્ટ બનાવીને તેને ગ્રેવીમાં ઉમેરી દેવા. ચોક્કસથી ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.

મોસંબી અને લીંબુનો રસ કાઢતાં પહેલાં એને ગરમ પાણીમાં અથવા ગરમ ઓવનમાં થોડીવાર રાખી પછી રસ કાઢવાથી રસ વધુ નીકળશે. કારણ કે આમ કરવાથી તેની છાલ થોડી ઢીલી થઈ જાય છે. અને એમાંથી રસ છૂટો પડીને વધારે નીકળે છે.

ઘરને ચમકાવી દેશે રસોડામાં પડેલી આ 16 વસ્તુઓ

ઘર નાનુ હોય કે મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘરની સફાઈ પરથી ગૃહિણીની પરખ થતી હોય છે. સાફ ઘર દરેકની પ્રશંસાને પાત્ર બને છે. તેથી ઘરને ચમકતું રાખવુ જરૂરી છે. ઘરમાં વાસણોથી લઈને ફર્નિચર દરેક નાની-નાની વસ્તુઓને સમયાંતર સાફ કરતા રહેવું પડે છે. અને જો ના કરીએ તો મોંઘી વસ્તુઓ બગડી જતી હોય છે. અને આથી જ આપણે આપણી મોંઘી વસ્તુઓને સાફ કરવા માટે બજારમાંથી મોંઘા-મોંઘા ક્લિનઝર લાવતા હોઈએ છીએ. પણ ખરેખર દરેક પ્રશ્નનો જવાબ આપણા ઘરમાં જ હોય છે. આજે અમે તમને તમારા ઘરમાં જ રહેલી એવી 16 વસ્તુઓ વિશે વાત કરવાના છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરને ચમકાવી શકશો.

સિંક માટે બેકિંગ પાવડર-

બેકિંગ સોડા અને વિનેગરને ભેગા કરીને સિંકમાં નાખો તો કોઈપણ પ્રકારનો કચરો ભરાયો હોય તે સાફ થઈ જાય. તમારા સિંકને સાફ રાખવા માટે આ બે વસ્તુઓનો ઉપયોગ કરો.

ચાંદીના વાસણો માટે કેળું-

તમારા ચાંદીના વાસણો પરથી કોઈ પણ પ્રકારની ધૂળ દૂર કરવા માટે તમે કેળાના પલ્પનો ઉપયોગ કરી શકો છો. કેળું એક એવા પ્રકારની વસ્તુ છે જેનો ઉપયોગ તમે તમારા ઘરેને સાફ કરવા માટે કરી શકો છો.

ટૂટેલા ગ્લાસ માટે બ્રેડ-

વ્હાઈટ બ્રેડ કોઈ પણ વસ્તુ પર ચોંટી જવાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે ક્યારેય પણ તમારા ઘરમાં કાચ તૂટે તો તેના ટુકડા ઉપાડવા માટે બ્રેડનો ઉપયોગ કરો.

વાસણો માટે કોફી-

કોફીનો કરકરો ભૂકો તમે તમારા વાસણો તેમજ પેનને સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વાસણો પર સ્ક્રેચ પડવાની ચિંતા રહેશે નહીં. કોફીથી તમે તમારા વાસણો સરળતાથી સાફ કરી શકો છો.

પેટના વાસણ માટે કોર્નસ્ટાર્ચ-

શું તમારા પેટનું વાસણ વધુ પડતું ચીકણું છે? તો તેની ચીકાસ દૂર કરવા માટે તમારા પેટના વાસણમાં એક ચપટી કોર્નસ્ટાર્ચ નાખો. જેના પરિણામ સ્વરૂપે તમને એકદમ ચમકતું વાસણ મળશે.

સ્ટીલના વાસણો માટે કાકડી-

તમારા સ્ટીલના વાસણોથી લઈને સ્ટેનલેસ સ્ટીલના પોટને ચમકાવા માટે કાકડીનો ઉપયોગ કરો. તમારા ઘરને કુદરતી રીતે ચમકાવા માટે કાકડી એક બેસ્ટ વસ્તુ છે.

ફ્રિજ માટે ગ્રીન ટી-

ફ્રિજમાંથી આવતી કોઈ પણ પ્રકારની દુગંધને દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમારા ફ્રિજને સાફ કરવા માટે પણ તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ગ્રીન ટીના પત્તાને ભરીને ફ્રિજમાં મૂકવાથી કોઈ પણ પ્રકારની ગંધ જતી રહેશે.

સિંક માટે લીંબૂ-

એક લીંબૂને બે ભાગમાં કટ કરો. એક કટકા પર મીઠું લગાવીને તેનો ઉપયોગ પૉર્સિલિન વાસણો પર, પેન, પોટ કે સિંક પર કરશો તે ચમકવા લાગશે. તમારા ઘરને ચોખ્ખું રાખવા માટે લીંબૂ સૌથી બેસ્ટ વસ્તુ છે.

બારીઓ માટે ડુંગળી-

જો તમારી બારીઓમાં ભેજ આવ્યો હોય કે ચોંટી જતી હોય તો, આ પ્રોબ્લમ્સમાં તમારી માટે ડુંગળી બીજા બધા મોંઘા ઉપાયો કરતા સૌથી બેસ્ટ છે. ડુંગળીને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરો. ત્યાર બાદ એક કટકાને બારી પર ઘસીને તેની ધૂળ અને મેલ દૂર કરો.

કાટ માટે બટાટા-

કાટથી છૂટકારો મેળવવા માટે તમારો ઉકેલ બટાકા છે. કાટથી છુટકારો મેળવવા માટે કાટ પર બટાકાની એક સમારેલો ટુકડો ઘસવો.

જંતુઓ માટે તમાલપત્ર-

તમારા ઘરમાં જંતુઓનો બહુ જ ઉપદ્રવ હોય તો તમે તેને તમાલપત્રથી દૂર કરી શકો છો. તમાલપત્રમાં ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ જંતુઓને તમારા રસોડાની વસ્તુઓથી દૂર રાખશે.

લાકડાંના ફર્નિચર માટે ચા-

ચામાં જે ટેનિન નામનું દ્રવ્ય હોય છે તે લાકડાંને ચમકીલું બનાવે છે. આથી ચા તમારા ઘરને સાફ કરવા માટે બેસ્ટ ઓપશનમાંનું એક છે. આથી વાર્નિશની જગ્યાએ તમે તમારા લાકડાના ફર્નિચરને ચમકાવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો.

તાંબાના વાસણો માટે ટામેટું-

ટામેટાંને બે ભાગમાં કટકા કરો. તેમાંથી એક કટકાને તાંબાના વાસણો પર ઘસો. ટામેટાંના રસને વાસણો પર સૂકાવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. ટામેટાંમાં રહેલી કુદરતી એસિડિટી તમારા તાંબાના વાસણોને ચમકાવી દેશે.

કપ માટે વિનેગર-

મોંઘા કપો પર લાગેલા જીદ્દી ડાગાને કાઢવા માટે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. કોફીના મગથી લઈને સિરામિક કપ અને પોટને પણ તમે વિનેગરનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો.

બાથટબ માટે ગ્રેપફ્રૂટ-

તમારા ઘરના ટબ અને સિંકની ધૂળ સાફ કરવા માટે ગ્રેપફ્રૂટની એક સ્લાઈસનો ઉપયોગ કરો. જો તેમાં કોઈપણ પ્રકારના વાસણનો ઉપયોગ થયો હોય તો ગ્રેપફ્રૂટ પર મીઠું લગાવીને સાફ કરો.

ટોઈલેટ માટે વોડકા-

હલકી કક્ષાના વોડકાનો ઉપયોગ તમે તમારા ટોઈલેટ સીટને સાફ કરવા માટે કરી શકો છો. તેનાથી તમે તમારા બાથરૂમની સરફેસ પણ સાફ કરી શકો છો. બીજી બાધા મોંઘા પ્રકારના કિલન્ઝર કરતા વોડકા વધારે અંશે અસરકારક છે.

રસોઈનો સ્વાદ બગડી જાય તો સુધારવા માટે મદદ કરશે આ ટિપ્સ

જે લોકોને રસોઈ બનાવવાનો શોખ છે તેમને માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવતી વખતે સમસ્યા તેમને માટે હોય છે જે ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે. આવા લોકોથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે નાની-નાની ભૂલો થઈ જાય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામમાં પરફેક્શન લાવી શકો છો. આવો જાણીએ રસોઈ બનાવતા થનારી ભૂલોને સુધારવાની નાની નાની ટિપ્સ..

મીઠુ વધુ પડી જાય તો

જો શાક કે સૂપમાં મીઠુ વધુ થઈ જાય તો ચોથા ભાગનું બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ વધુ મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સાથે કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે.

ભાત બળી જાય તો શુ કરશો
જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

ફુદીનાની ચટણી બનાવો તો યાદ રાખો
ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ થશે. જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

રસભરેલુ લીંબૂ
એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ હોય છે. પણ આપણે ક્યારેય તેનો બધો રસ કાઢી નથી શકતા. તમે લીંબૂનો પુર્ણ રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો. પછી તેને વચ્ચેથી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ નીકળી જશે.

દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી ગયા
જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમા થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહી ફાટે.

ડુંગળી કાપો તો આવુ કરો
ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ આવવા સ્વભાવિક છે. પણ તેનાથી બચવાની એક સરસ ટિપ્સ છે. ડુંગળીને કાપીને બે ભાગમાં કાપી લો. પછી એક મોટી વાડકીમાં પાણી લઈને તેના બે ભાગને થોડી વાર માટે પાણીમાં મુકી દો. થોડી વાર પછી જ્યારે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ નહી આવે. તમે ચાહો તો તમારા ચાકુ પર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો. તેનાથી પણ ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નથી આવતુ. આ ઉપરાંત ડુંગળીને પૉલી બેગમાં બાંધીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આંસુ નહી આવે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s