શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય

TBS

24મી માર્ચ એટલે કે આજે ‘વર્લ્ડ ટીબી ડે’ છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઊભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે. વર્લ્ડ ટીબી ડે નિમિત્તે દર વર્ષની એક થીમ હોય છે. આ વર્ષની થીમ ‘સર્વ ટીબી દર્દીઓ સુધી પહોંચો, સારવાર આપો અને રોગમુક્ત કરો’ એવી છે.

ટીબી શરીરના કોઇ એક અંગમાં જ થાય છે એવું નથી, તે શરીરનાં ઘણાં બધાં અંગોમાં થઇ શકે છે. ટીબીનો ચેપ 10 ટકા આંતરડાને, 10 ટકા મગજને, 5 ટકા હાડકાંને, એક ટકા ચામડીને, એક ટકા આંખને, એક ટકા લિવરને થાય છે. પણ ફેફસાંના ટીબીનું પ્રમાણ દુનિયામાં સૌથી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય માર્ગદર્શન અને કેટલાક ઉપાય દ્વારા ટીબીનું ઝડપી નિદાન શક્ય છે. જી હાં, લોકોમાં ટીબી અંગેની જાણકારીનો અભાવ અને તેની સારવાર પદ્ધતિની માહિતી ન હોવાથી ટીબીને કારણે લોકોનું મૃત્યું છે. જેથી ટીબી શું છે કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે, કઈ રીતે ફેલાય છે, તેની સારવાર શું છે, તેના માટેના ઘરેલૂ નુસખા કયા છે કઈ રીતે તેનો ઉપયોગ કરવો વગેરેની તમામ જાણકારી આજે અમે તમને આપીશું.

કોને વધારે થવાની શક્યતા છે?

બાળકો
એચ.આઈ.વી.
ધૂમ્રપાન કરનાર
આધેડ ઉંમરના લોકો
સતત ખાંસી આવવી
છાતીમાં દુખાવાનો અહેસાસ
થાક લાગવો, ભૂખ ન લાગવી
વજન અચાનક ઊતરી જવું
તાવ આવવો, બેચેની થવી
પરસેવો થવો
જોવા મળતાં લક્ષણો
ખાંસીમાં કફ નીકળવો
કફમાં લોહી નીકળવું
ઊંડો શ્વાસ લેવામાં તકલીફ થવી
કમરનાં હાડકાંમાં સોજો રહેવો
ઘૂંટણમાં દુખાવો થવો
પેટમાં દુખાવો થવો

ટીબીનાં કારણો

અપૂરતો અને અપૌષ્ટિક આહાર
સ્વચ્છતાનો અભાવ
નાની જગ્યામાં વધારે લોકોનો વસવાટ
ટીબી ઇન્ફેક્ટેડ વ્યક્તિના સંપર્કમાં આવવાથી

ટીબીને આપો ટક્કર

ટીબીનું મૂળ નામ ટ્યુબર્ક્યુલોસિસ છે. પરાપૂર્વથી વિશ્વમાં જોવા મળતો આ રોગ હજુ પણ તેનો પગદંડો જમાવીને બેઠો છે. વિશ્વના વૈજ્ઞાનિકો, તબીબો, આરોગ્ય કાર્યકરો અને જાહેર આરોગ્યના ક્ષેત્રના નિષ્ણાંતોના અવિરત પ્રયાસો છતાં આ રોગને નાબૂદ તો શું નોંધપાત્ર રીતે ઘટાડી પણ શક્યા નથી.

અમદાવાદના પલ્મોનોલોજિસ્ટ ડો. નિતેશ શાહ કહે છે, ટીબીનો રોગ બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે. જે વ્યક્તિને ચેપ લાગે તેને રોગ થઇ જ જાય એવું નથી. ચેપ એટલે આ રોગના કીટાણુઓ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ થવા. પરંતુ જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ યથાયોગ્ય હોય તો આ જંતુઓની શરીરમાં વૃદ્ધિ થતી નથી અને શરીરની આંતરિક શક્તિઓથી જંતુઓનો નાશ થઇ જાય છે. આવી ચેપ લાગેલી 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં ટીબી થવાની શક્યતા રહેલી છે.

ટીબી હોવા છતાં તેની સારવારવિહોણા દર્દીઓ તેમની પોતાની જાતને તો નુકસાન પહોંચાડે જ છે પણ સામાન્ય વ્યક્તિઓને પણ ચેપ લગાડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો આ વર્ષનો મુખ્ય સંદેશો આવા દર્દીઓ કે જે રાષ્ટ્રીય ક્ષય નિવારણ કાર્યક્રમમાં નોંધાયા નથી તેમને શોધવાનો છે. આવા ‘ભુલાયેલા’ દર્દીઓમાં મુખ્યત્વે અતિ ગરીબ, કુપોષણથી પીડાતા, એચઆઇવી ગ્રસ્ત, નાનાં બાળકો અને સ્ત્રીઓ, જેલના કેદીઓ, વૃદ્ધ દર્દીઓ અને ઘરવિહોણા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આવા તરછોડાયેલા ટીબી દર્દીઓને શોધવા અને રોગમુક્ત કરવા માટે કટિબદ્ધ થવાનો આ વર્ષનો હેતુ છે. ટીબી રોગની સારવાર માટેનો મુખ્ય પડકાર તેની લાંબી ચાલતી સારવાર અને તે સારવાર દરમિયાન દર્દીઓની દવાઓ લેવા માટેની નિયમિતતા અને સાતત્ય જાળવવામાં રહેલો છે. લાંબા સમયની સારવારને લીધે ઘણા દર્દીઓ અધવચ્ચેથી દવા છોડી દે છે અથવા અડધી દવા લે છે. ઘણા દર્દીઓ પોતાને સારું થઇ ગયું હોય તેવું લાગવાથી કે પછી દવાઓની આડઅસરથી બચવા માટે દવા લેવાનું છોડી દેતા હોય છે. અમુક દર્દી પોતાની બેદરકારીને લઇને દવાઓ અધવચ્ચેથી છોડી દેતા હોય છે. આવા એક વખત અધૂરી સારવાર લીધેલા દર્દીઓની સારવાર પાછળથી વધારે અઘરી બની જતી હોય છે, કેમકે ટીબીના જંતુઓ જે એક વખત દવાના સંપર્કમાં આવ્યા પછી પોતાના જનીનિક મા‌ળખામાં ફેરફાર કરી આ દવાઓથી પોતાને સુરક્ષિત બનાવી દેતા હોય છે. જેને ડ્રગ રેસિસ્ટંટ ટીબી કે એમ.ડી.આર. ટીબી તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આવા એમ.ડી.આર. ટીબીના દર્દીઓ અન્ય તંદુરસ્ત વ્યક્તિને પણ ચેપ લગાડી શકે છે. તેને પરિણામે અેમ.ડી.આર. ટીબીનું પ્રમાણ વિશ્વમાં વધી રહ્યું છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વના 100 દેશોમાં 2013ની સાલમાં 4,80000 દર્દીઓને એમ.ડી.આર. ટીબી કે એક્સ.ડી.આર. ટીબીનો રોગ નોંધાયેલો છે. એવું પણ મનાય છે કે એમ.ડી.આર.ના 4માંથી 3 દર્દીઓ નિદાન કે સારવાર થયા વિનાના રહે છે. ગત વર્ષે વિશ્વમાં નોંધાયેલા આ દર્દીઓમાંથી ફક્ત 97000 દર્દીઓની જ સારવાર શરૂ થઇ શકી હતી. તેનું કારણ એ છે કે એમ.ડી.આર. ટીબીની સારવાર સામાન્ય ટીબીની સારવાર કરતાં ઘણી જ લાંબી ચાલે છે. સામાન્ય ટીબીની સારવાર 6થી 8 મહિના ચાલે છે. તો એમ.ડી.આર. ટીબીની સારવાર 21થી 24 મહિના સુધી ચાલે છે. તેમાં શરૂઆતના છ મહિના સુધી ઇન્જેક્શન સ્વરૂપે પણ દવા આપવામાં આવે છે. અેમ.ડી.આર. ટીબીની સારવાર અતિ જટિલ અને ખર્ચાળ છે.

ટીબીના રોગની સારવારમાં થતી ઢીલનું બીજુ અગત્યનું કારણ આ રોગનું મોડું થતું નિદાન છે. ફેફસાંના ક્ષયનું નિદાન તો છાતીના એક્સ રે અને ગળફાની તપાસ દ્વારા થઇ શકે છે. આ નિદાન કરવું સરળ છે, છતાં પણ ઘણા બધા દર્દીઓના કફમાં ટીબીના જીવાણુઓ પકડી શકાતા નથી. વળી ગળફાનું ટીબી માટેનો કલ્ચર ઘણો લાંબો સમય, છથી આઠ અઠવાડિયાનો લાગી શકે છે. સદભાગ્યે આધુનિક સંશોધનોના પરિણામે હવે ટીબીના જંતુના નિદાન અર્થે આધુનિક જિનિટિક મોલેક્યુલર ટેક્નોલોજી ઉપલબ્ધ છે તેને લીધે રિપોર્ટ એકથી બે દિવસમાં મળી શકે છે. તદુપરાંત આ જિનેટિક ટેસ્ટ ટીબી સાદો છે કે ડ્રગ રેસિસ્ટંટ છે તે પણ કહી આપે છે. ફેફસાં સિવાય પણ ટીબી ગળા અને બગલમાં થતી ગાંઠમાં પણ થઇ શકે છે. તેમજ શરીરના અન્ય અવયવો જેવા કે મગજ, મગજની આસપાસનું આવરણ, આંતરડાં અને સ્ત્રી-પુરુષનાં જનનાંગો પણ ટીબીથી ગ્રસ્ત થઇ શકે છે. વર્લ્ડ ટીબી ડે 2015 નિમિત્તે અપાયેલો સંદેશો કે કેન્દ્રવર્તી વિચાર ફળીભૂત થાય અને ભારતના ક્ષય નિર્મૂલન કાર્યક્રમને હજુ વધુ સફળતા મળે તો ડબલ્યુએચઓ દ્વારા 2034માં વિશ્વને ક્ષયમુક્ત બનાવવાની જે હાકલ કરાઇ છે તેને યથાર્થ કરી શકાશે.

હોમિયોપેથી

ટીબી એ સમગ્ર દુનિયામાં ફેલાયેલો રોગ છે. માનવ વસ્તીના પાંચમા ભાગ જેટલા લોકો આ રોગનો ભોગ બન્યા છે. ટીબીને ફેફસાંનો રોગ માનવામાં આવે છે. પરંતુ ફેફસાંમાંથી થતાં રક્તપ્રવાહ સાથે તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. જેમ કે હાડકાં, હાડકાંના સાંધા, આંતરડાં, મૂત્રાશય, પ્રજનનતંત્રનાં અંગ અને ત્વચામાં વગેરે. સામાન્ય રીતે ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. ટીબીના દર્દીઓ દ્વારા ખાંસવા, છીંકવા, થૂંકતી વખતે કફ અથવા થૂંકના કણો હવામાં ફેલાય છે. જેમાં રહેલા બેક્ટેરિયા કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશીને રોગ પેદા કરે છે.
ટીબી મુખ્યત્વે 4થી 14 વર્ષનાં બાળકોમાં અને 25થી 35 વર્ષના યુવાનોમાં વધુ થયેલો જોવા મળ્યો છે. કેટલાક પરિવારોમાં વારસાગત રીતે પણ આ રોગ થાય છે. ટીબી શ્વાસોચ્છવાસ, મળમૂત્ર અને કપડાં દ્વારા પણ ફેલાય છે. એક વખત ટીબીનું ઇન્ફેક્શન લાગે પછી તેની અસર નવ મહિનાથી માંડીને બે વર્ષ સુધી પણ રહેતી હોય છે.

ભેજવાળી હવા, વારંવાર બદલાતું વાતાવરણ, ધૂ‌ળ-રજકણ, કેમિકલ્સ, પ્રદૂષિત વાયુ, બિન આરોગ્યપ્રદ રહેણીકરણી, વ્યસન અને અપૂરતું પોષણ વગેરે કારણો આ રોગ માટે જવાબદાર બને છે. ટીબીનું ઇન્ફેક્શન મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. પરંતુ શરીરનાં બીજાં અંગોમાં પણ તે થઇ શકે છે. ટીબીની અસરવાળા દર્દીમાં ખાંસી, તાવ, નબળાઇ, શ્વાસ ચઢવો, અવાજ બેસી જવો, વજન ઘટવું વગેરે જેવાં લક્ષણો દેખાય છે.

રોગથી પ્રભાવિત અંગોમાં નાની-નાની ગાંઠો એટલે કે ટ્યુબરકલ્સ બની જાય છે. સમયસર ઉપચાર ન કરવામાં આવે તો ધીરે-ધીરે તેના પ્રભાવમાં આવેલ અંગ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરવાનું બંધ કરી દે છે અને તે મૃત્યુનું કારણ બની શકે છે. ટીબીનો રોગ ફક્ત માણસોને જ થાય છે એવું નથી આ સિવાય તે ગાયમાં પણ જોવા મળે છે. તેના જીવાણુ દૂધમાં હાજર હોય છે અને આ દૂધ ઉકાળ્યા વગર પીવાથી વ્યક્તિ રોગગ્રસ્ત થઈ શકે છે. આ ઉપરાંત ટીબી થવા પાછળ અનેક કારણો છે જેમ કે જે વ્યક્તિને ટીબી થયો હોય તેના સંપર્કમાં આવવાથી એટલે કે તેની સાથે વધારે સમય રહેવાથી તેની વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ ટીબી થઈ શકે છે.

હોમિયોપથી ડો. હર્ષિત ત્રિવેદી કહે છે કે જો શરૂઆતના તબક્કામાં જ આ રોગનું નિદાન થઇ જાય તો દવાનું પરિણામ ઘણું સરસ મળે છે અને દર્દી ઝડપથી સાજો થઇ જાય છે. હોમિયોપથીમાં આ રોગની સારવાર માટે વિવિધ દવાઓ ઉપલબ્ધ છે. આ દવાઓ દર્દીનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. નિયમિત દવાનું સેવન કરવાથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. આ માટે દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. દર્દીના લોહીની તપાસ, એક્સ-રે, વજનમાં વધઘટ વગેરે નિયમિત રીતે કરાવતાં રહેવું પડે છે. તેને આધારે દવામાં ફેરફાર કરવામાં આવે છે. રોગની કક્ષા અને તીવ્રતાને આધારે દવામાં પણ જરૂર પડે ફેરફાર કરવામાં આવે છે. દર્દીને જરૂરી આરામ તથા સાચવણી માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તમામ રિપોર્ટ નોર્મલ આવે એ પછી આવતી નબળાઇ અને બીજી તકલીફોમાં પણ વિવિધ હોમિયોપથીક દવા આપવામાં આવે છે. હોમિયોપથીક દવાનું નિયમિત સેવન ફેફસાંને અંદરથી મજબૂત બનાવે છે અને વારંવાર થતાં ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે.

ટ્યુબર્ક્યુલોસિસ અંગે જાણો

ડો. રોબર્ટ કોક નામના મહાન વૈજ્ઞાનિકે 1882ની સાલમાં ટીબીના જંતુઓની શોધ કરેલી. તેમણે જર્મનીના બર્લિનમાં એક નાના સમારોહમાં તેમની આ શોધની રજૂઆત કરેલી. તેમની આ મહાન શોધને અંજલી આપવા માટે ડબલ્યુ.એચ.ઓ અને ઇન્ટરનેશનલ યુનિયન અગેઇન્સ્ટ ટ્યુબકર્યુલોસિસ એન્ડ લંગ ડિસીસ દ્વારા તેમની જન્મ જયંતી 24મી માર્ચને ‘વર્લ્ડ ટીબી ડે’ તરીકે ઊજવવામાં આવે છે.

-ટીબીના રોગના વૈશ્વિક વ્યાપ વિશે જોઇએ તો વિશ્વમાં બે અબજ લોકો એટલે કે વિશ્વની ત્રીજા ભાગની વસ્તીને ટીબીના રોગનો ચેપ લાગેલો છે.

– એક અંદાજ પ્રમાણે 2013ની સાલમાં વિશ્વમાં ટીબીના એક કરોડ 30 લાખ દર્દીઓ માંથી 90 લાખ દર્દીઓની સારવાર થઇ શકી છે. પરંતુ 30 લાખ દર્દીઓ એવા છે કે કાં તો તેમનું નિદાન થયું નથી, સારવાર મળી નથી કે પછી કોઇપણ રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં તેમની નોંધણી થઇ નથી.

-ભારત સરકાર અને રિવાઇઝ્ડ નેશનલ ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવેલો ‘ડોટ્સ’ પ્રોગ્રામ ટીબીના નિર્મૂલનની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ પ્રોગ્રામને લીધે ભારતના લાખો દર્દીઓ રોગમુક્ત થઇ શક્યા છે. આ કર્યાક્રમમાં દર્દીઓની રોગમુક્તિની સફળતાનો આંક ઊંચો ને ઊંચો થતો રહ્યો છે. એમ.ડી.આર. ટીબીની સારવાર માટે પણ તેમાં ‘ડોટ્સ-પ્લસ’ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

સંશોધન

વિટામિન સી અસરકારક

અમેરિકાના સંશોધકોએ ટીબીને લઇને અનેક સંશોધનો કર્યાં છે. આ સંશોધનને આધારે એવું જાણવા મળ્યું છે કે ટીબી બેક્ટેરિયા સામે લડવામાં વિટામિન સી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ ટીબી બેકટેરિયા ખૂબ જ ખતરનાક છે. ટીબી બેક્ટેરિયાને નષ્ટ કરવા એ બહુ જરૂરી છે. કેટલાક ટીબીનાં ઘટક તત્વો દવાઓથી દૂર થતાં નથી. તેથી દવાની સાથે વિટામિન સીનું પ્રમાણ જેમાં હોય એનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઇએ. એમાં પપૈયું, નારંગી, પાઈનેપલ વગેરેનો સમાવેશ કરી શકાય.

ટીબીમાં મગફળીનું મહત્વ

મગફળીમાં રહેલું તત્વ ટીબીની સારવારમાં ફાયદાકારક છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. ટીબીનું પ્રમાણ દુનિયાભરમાં વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સ્વિડનના લિન્કોપિન નામની યુનિવર્સિટીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે મગફળીમાં જોવા મળતું ઓરિજનાઇન એમીનો નામનું તત્વ ટીબીની સારવારમાં ફાયદારૂપ સાબિત થયું છે. ટીબી પેદા કરનારાં તત્વોના સંપર્કમાં આવવા છતાં પણ લોકોમાં સંક્રમણનો કોઇ સંકેત સામાન્ય રીતે દેખાતો નથી. તેનાથી સાબિત થયું છે કે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ટીબી જેવા રોગો સામે રક્ષણ કરે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને જાળવી રાખવા નાઇટ્રિક ઓક્સાઇડ નામનું રસાયણ મુખ્ય ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકના મત મુજબ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું સ્તર વધારીને ટીબીથી બચી શકાય છે. ઓરિજનાઇન નામના તત્વથી તે વધે છે અને આ તત્વ સૌથી વધારે મગફળીમાંથી મળે છે. તેથી કહી શકાય કે મગફળીનું સેવન ટીબી માટે ફાયદારૂપ છે.

ઓસડિયા

-બકરીના દૂધમાં ઘી અને સાકર મેળવી સેવન કરવાથી તથા સુવર્ણમાલતી અને ચ્યવનપ્રાશનું સેવન કરવાથી ક્ષય રોગમાં લાભ થાય છે.

-125 ગ્રામ સફેદ કાંદા લઇ તેને ઘીમાં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી ક્ષય રોગીનાં ફેફસાં મજબૂત થાય છે અને ફેફસાંના જંતુ નાશ પામી ક્ષય રોગ ઝડપથી મટે છે.

-સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક એક ચમચી ચૂર્ણ મધમાં દિવસમાં ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.

-તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે.

– ખજૂર,દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઇ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.

-લસણને વાટી ગાયના દૂધ અને ઘી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષયરોગમાં ફાયદો થાય.

– ક્ષય રોગમાં બકરીનું દૂધ, ભાત, મગની ખીચડી, મમરા વગેરેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s