કૈલાશ યાત્રા: શું હોય છે પ્રક્રિયા અને કેમ પહોંચાય છે માનસરોવર…!!!

કૈલાશ પર્વત
કૈલાશ પર્વત

કૈલાશ માનસરોવરની યાત્રા બહુ જ કપરી હોય છે, પણ આપણા દેશમાં તેનું ધાર્મિક દ્રષ્ટિએ આગવુ લોકોમાં આગવુ મહત્વ છે. બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને કૈલાશની પરિક્રમા કરવા નીકળે છે. ત્યારે આ યાત્રા વિશે થોડી ઉપયોગી જાણકારી મેળવવી જરુરી છે. તાજેતરમાં જ આ યાત્રા ને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ પાસે વધારાના એક રૂટની માગણી કરી છે. જેથી યાત્રિકો સરળતાની માનસરોવર સુધી પહોંચી શકે. અત્યારે જે રૂટ છે તેના કરતા વધુ સરળ રૂટની સંભાવનાઓ રહેલી છે, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે. કૈલાશ પર્વત તિબેટની ટ્રાન્સહિમાલય રેન્જમાં સ્થિત છે, અથવા તો તેનો જ એક ભાગ છે. આ હિમાલય રેન્જ 1600 કિલોમીટરની છે, જે ચીનમાં છે.

કૈલાશ યાત્રા MAP
કૈલાશ યાત્રા MAP

કેવી રીતે થાય છે આયોજન

કૈલાશ માનસરોવરની યાત્રા કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે ડિસેમ્બરમાં જાહેરાત બહાર પાડવામાં આવે છે. જેમાં ઓનલાઇન એપ્લીકેશન મંગાવવામાં આવે છે. તેમાં અરજી કર્યા બાદ દિલ્લીમાં દરેક મેમ્બરની મેડીકલ તપાસ થાય છે, જેમાંથી જો કોઇ વ્યક્તિ ફીટ ન જણાય તો તેઓ આગળ યાત્રા કરી શકતા નથી. કારણ કે કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન ઉંચાઇ પર ચડવાનું રહે છે, તેથી દરેકનું ફીટ હોવુ જરુરી છે. મેડીકલ તપાસ દિલ્હી હાર્ટ એન્ડ લન્ગ ઇન્સ્ટીટ્યુટમાં કરવામાં આવે છે. આ યાત્રા કુલ 29 દિવસમાં પુરી થાય છે, અને કુલ 1 લાખથી વધારે રૂપિયાનો ખર્ચ માથાદીઠ થાય છે. દરેક લોકોને ગ્રુપમાં મોકલવામાં આવે છે, અને એક ગ્રુપમાં 60 થી વધુ યાત્રિકો નથી હોતા. એક સાથે 1000 લોકોનું ટ્રુપ મોકલવામાં આવે છે. અરજીમાં જરુરી દસ્તાવેજો સાથે પાસપોર્ટ હોવો જરુરી છે જે ઓછામાં ઓછા છ મહિના માટે વેલીડ હોય, જેથી ચાઇનીઝ વિઝા મેળવી શકાય. આ સગવડ કરી આપવા માટે કુમાઓન મન્ડલ વિકાસ નિગમ યાત્રિકોને સહાયતા પૂરી પાડે છે.

આ યાત્રા માટે બે રૂટ છે, જેમાં એક નેપાળ થઇને જાય છે, અને એક દિલ્હીથી ચાઇના બોર્ડર ક્રોસ કરીને લઇ જવામાં આવે છે, જેનું લાઇઝનીંગ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. દરેક ગ્રુપની સાથે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો, લાઇઝનીંગ ઓફીસર અને મેડીકલ ટીમ પણ હોય છે. ભોજનની વ્યવસ્થા કુમાઓન મન્ડલ વિકાસ નિગમ ( Kumaon Mandal Vikas Nigam (KMVN)) દ્વારા કરવામાં આવે છે, જેના માટે અલગ ફી ચૂકવવાની રહે છે. યાત્રિકોના અનુભવ પ્રમાણે ભોજનની ગુણવત્તા સારી હોય છે અને શાકાહારી ભોજન પ્રદાન કરવામાં આવે છે.

ચીનમાં પ્રવેશ બાદ ચીનની સરકાર કરે છે લાઇઝનીંગ, ડોલરમાં ચૂકવવી પડે છે ફી

ભારત અને ચીન બોર્ડર પાસેના લીપુલેક થી એક બસ દ્વારા તકલાકોટ લઇ જવામાં આવે છે, જ્યાં ચાઇનીઝ પોસ્ટ છે. ચીન બોર્ડરમાં પ્રવેશ બાદ ત્યાથી ચીન સરકારના અધિકારીઓ લાઇઝનીંગ કરે છે. જો કે ત્યાં પોસ્ટ પાસે દરેક યાત્રિકોનો સામાન પુરી રીતે સ્કેન કરવામાં આવે છે. અને જો કોઇ છરી ચપ્પુ જેવી ચીજો મળે તો આગળ યાત્રામાં લઇ જવા દેવામાં આવતી નથી. પોસ્ટ પાસે ફોરેન એક્સચેન્જ સેન્ટર પણ છે, જેમાં કરન્સીને ચાઇનીઝ કરન્સીમાં એકસ્ચેન્જ કરી શકાય છે. આ સમયે ચીન સરકારને ડોલરમાં ફી ચૂકવવી પડે છે. છેલ્લી માનસરોવર યાત્રામાં 700 ડોલર સુધીની ફી યાત્રિકોએ ચૂકવી હતી. તકલાકોટ ફોટોગ્રાફી માટે પ્રતિબંધીત છે, પણ તે સિવાય ના રમણીય દ્રષ્યો અને માનસરોવર પાસે ફોટોગ્રાફી કરી શકાય છે.

(તસવીર- રજનીકાંત ધીરજલાલ ભટ્ટ, કૈલાશની યાત્રા દરમિયાન)
(તસવીર- રજનીકાંત ધીરજલાલ ભટ્ટ, કૈલાશની યાત્રા દરમિયાન)

કૈલાશ માનસરોવરની યાત્રા માટે ટ્રેકીંગ કરવુ પડે છે, જેમાં કુલ ટ્રેકીંગ 375 કિલોમીટર જેટલુ થાય છે. આ સમયે જો કોઇ ને ઉપર ચડવામાં કોઇ પરેશાની હોય તો ત્યાં ખચ્ચરની સગવડ પણ હોય છે, જેના માટે અલગથી નાણા ચૂકવવા પડે છે. આ યાત્રા અંગે કૈલાશ માનસરોવરથી પરત ફરેલા ગુજરાતી પ્રવાસી રજનીકાંત ધીરજલાલ ભટ્ટનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યુ હતુ કે કૈલાશ પર્વતની પરિક્રમા ચારથી પાંચ દિવસ ચાલે છે. જેમાં તિબેટના લોકો પણ શામેલ થતા હોય છે. ઘણા તિબેટના શ્રધ્ધાળુઓ દંડવત કરીને પરિક્રમા કરતા નજરે ચડ્યા હોવાનુ જણાવ્યુ હતુ. આ પરિક્રમામાં 55 કિલોમીટર ચાલવુ પડે છે.

કૈલાસ પર્વત
કૈલાસ પર્વત

સાહસિકો માટે આ રૂટ બેસ્ટ

વધુમાં રજનીકાંત ભટ્ટે પ્રવાસ અંગે જણાવ્યુ હતુ કે જે લોકો સાહસિક હોય અને કુદરતી નજારો માણવો હોય તો નેપાળના રૂટથી જવુ ન જોઇએ. કારણ કે મોટા ભાગની નદીઓ, પર્વતોના નજારા અને લીપુલેક સુધીનું એડવેન્ચર ટ્રેકીંગ ત્યાં આવતુ નથી. નેપાળના રૂટમાં સીધા યાત્રિકોને માનસરોવર પહોંચાડી દેવામાં આવે છે. તેથી રજનીકાંત ભટ્ટના મતે જો ખરી મજા માણવી હોય તો ચીન બોર્ડર પરનો રૂટ બેસ્ટ છે. ત્યાં ઠંડક હોય છે, અને તેને લગતી કીટ પણ દિલ્લીથી આપવામાં આવી હોય છે. ઘણી જગ્યાએ ગામડાઓમાં યાત્રિકોનું સ્વાગત કરવામાં આવે છે. માનસરોવર પાસે અષ્ટાપદ પર્વત છે, જ્યાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર રુષભદેવનું નિર્વાણ થયુ હતુ. તેથી હિન્દુ સાથે જૈન ધર્મમાં યાત્રિકો માટે પણ આ સ્થળ ધાર્મિક રીતે મહત્વનું છે. આ વિસ્તારમાં વૃક્ષો જોવા નથી મળતા. માનસરોવરનું પાણી એકદમ સ્ફટીક જેવુ હોય છે, જેમાં તમે નીચે સુધી સ્પષ્ટ જોઇ શકો છો. ત્યાં સ્નાન પણ કરી શકાય છે.

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાસ પર્વત અને માનસરોવર એ હિન્દુઓ માટે એક અતિપવિત્ર યાત્રાધામ છે. ભારત સરકાર દ્વારા આ યાત્રા 8 જૂનથી 9 સપ્ટેમ્બર મહિના સુધી યોજવામાં આવે છે.

કૈલાસ પર્વત: હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પરિવાર સહિત નિવાસ કરે છે, તે પર્વત કૈલાશ છે. કૈલાસની પરિક્રમામાં ધારચેનથી ડેરાકૂક પ્રથમ પડાવ ત્યારબાદ બીજા દિવસે ડેરાકૂકથી ઉપર ડોલમાઘાટ પસાર કરીને નીચે ઊતરતા ગૌરી કુંડનાં દર્શન થાય છે. કહેવાય છે કે મા પાર્વતી આ કુંડમાં સ્નાન કરે છે. ત્યાંથી ઊતરીને નીચે જોંગજેરબુ અથવા જુથુલપાર્ક ઊતરીને કૈલાસ પર્વતની પરિક્રમા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ આવેલી પર્વતની ગુફાઓમાં ઋષિમુનિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે.

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

માનસરોવર: ધાર્મિક વાયકા પ્રમાણે માનસરોવર એટલે મન: સરોવર, માનસરોવર બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયું હતું. લોકવાયકા મુજબ સહુ દેવોએ મળી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ સ્વર્ગસમી પૃથ્વી ઉપર અમારા માટે સ્નાનકુંડ બનાવી આપો ત્યારે બ્રહ્માજીએ પોતાની મનોશક્તિ દ્વારા આ સરોવરનું નિર્માણ કર્યું. સમુદ્ર સપાટીથી ૧૫૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલું આ એકમાત્ર સરોવર છે કે જેનું પાણી મીઠું છે. આ સરોવર લગભગ ૧૧૦ કિ.મી.ની જગ્યામાં ફેલાયેલું છે અને તેની વધુમાં વધુ ઊંડાઇ ૩૦૦ ફૂટની છે. આ સરોવરમાં કરેલું સ્નાન પાછલા સાત જન્મોને તારે છે, તેવી લોકોની શ્રધ્ધા છે.
અહીં ધાર્મિક વિધિપૂર્વક હવન તેમજ પિતૃતર્પણ કરવામાં આવે છે. માનસરોવરની દક્ષિણ દિશામાં ગુરલા માંધાતા નામનો પર્વત આવેલો છે અને માનસરોવરની પશ્વિમ બાજુ રાક્ષસતાલ (રાક્ષસ તળાવ) આવેલું છે. રાક્ષસ તાલનો સંબંધ રાવણ સાથે છે. રાવણે તેમાં સ્નાન કરેલ આથી આ તળાવનું નામ ‘રાક્ષસ તાલ’ કહેવાય છે. રાક્ષસ તાલનું ક્ષેત્રફળ લગભગ ૨૨૪ ચો.કિ.મી. છે. આ તળાવનું પાણી કોઇ લાવતું નથી અને તેની પૂજા કોઇ કરતું નથી.

કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્વ

Courtesy: Divyabhaskar

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s